રાત્રી કર્ફ્યુંના કારણે વિક-એન્ડ દરમિયાન હોટેલ્સમાં બપોરે જમવા જનારાઓના ટ્રાફિકમાં 10-15% જેવો વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 12:32:47
  • Views : 264
  • Modified Date : 2020-12-16 12:32:47

    કોરોનાને કાબુમાં લેવા માટે ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં 23 નવેમ્બરથી રાત્રી કર્ફ્યું લગાવ્યો છે. ધીમે ધીમે પાટે ચડતી હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝને આના કારણે મોટો ફટકો પડ્યો છે. આ બધા વચ્ચે લોકો વિક-એન્ડમાં એટલે કે શનિવાર અને રવિવારે રાત્રે જમવા જતા હતા તેઓ હવે બપોરે જમવા જવા લાગ્યા છે. રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે કર્ફ્યુના કારણે રાત્રીનો ટ્રાફિક ઘટ્યો છે તેની સામે બપોરના ટ્રાફિકમાં 10-15% જેવો વધારો થયો છે.હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ અને TGB બેન્કવેટ એન્ડ હોટેલ્સના ચેરમેન નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, સામાન્ય રીતે વિક-એન્ડમાં નોર્મલ કરતાં 30-40% વધુ બિઝનસ રહેતો હોય છે. કર્ફ્યું તેમજ કોરોનાના કારણે લોકો રાત્રે ઓછા જમવા આવે છે. જ્યારથી રાત્રી કર્ફ્યું લાગ્યો છે ત્યારથી ડીનર માટેનો ટ્રાફિક બિલકુલ ઘટી ગયો છે. તેની સામે બપોરે જમવા આવતા લોકોમાં 10-15% જેવો વધારો થયો છે.

    નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, કોવિડ બાદ પરિસ્થિતિ એકદમ ખરાબ બની છે. હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે અને ઓવરઓલ બિઝનેસ 70-75% જેટલો ઘટ્યો છે. રૂટિન ટ્રાફિકની સાથે સાથે લગ્ન, બેન્કવેટ પાર્ટી અને કોર્પોરેટ ફંક્શન પણ બંધ જેવા છે તેના લીધે અમદાવાદ, વડોદરા રાજકોટ અને સુરતમાં અમારા ઉદ્યોગની હાલત ખરાબ છે. દિવાળી બાદ થોડી રીકવરી હતી પરંતુ રાત્રી કર્ફ્યુના કારણે સ્થિતિ ફરી બગડી છે. અમે રાજ્ય સરકારને રાત્રી કરફ્યુનો સમય રાત્રે 12થી સવારના 5 કરવા માટે રજૂઆત કરી છે.રામદેવનગરમાં આવેલી કોર્ટયાર્ડ બાય મેરિયોટના જનરલ મેનેજર દીપ પ્રીત બિન્દ્રાએ જણાવ્યું કે, રાત્રી કર્ફ્યુના કારણે ડીનર ડાઈનિંગને અસર થઇ છે તે વાત સાચી છે. તેની સામે અમે લંચ માટેના ફૂટફોલમાં નોંધપાત્ર વધારો જોયો છે. અમારા વીકએન્ડ લંચ બફેટમાં 18-20% સુધીનો વધારો થયો છે. અમે કોવિડ માટેના તમામ આરોગ્ય અને સલામતીના પ્રોટોકોલ્સનું સખતપણે પાલન કરીએ છીએ.


    હાઈજીનને ધ્યાનમાં રાખીને ગુજરાતની ઘણી હોટેલો અને રેસ્ટોરન્ટસે મેનુ કાર્ડ હટાવી દીધા છે અને તેની જગ્યાએ QR કોડ રાખી દીધા છે. સિંધુ ભવન રોડ પર આવેલી કોર્ટયાર્ડ બાય મેરિયોટના જનરલ મેનેજર સપ્તર્ષિ બિસ્વાસે જણાવ્યું કે, કોરોનાના સમયમાં શક્ય એટલા લોકોના હાથનો ટચ થાય તે માટે ડિજીટલ મેનુ કાર્ડ અપનાવવામાં આવ્યા છે. નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે લોકો હાઈજીન ઉપર વધુ ધ્યાન આપે છે અને ફિઝીકલ મેનુને અનેક લોકો અડતા હોય છે આથી સલામતીને ધ્યાનમાં રાખીને અનેક રેસ્ટોરન્ટમાં ડિજીટલ મેનુ શરુ થઇ ગયા છે.HRPL રેસ્ટોરન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર અંકિત ચોનાએ જણાવ્યું કે, રાત્રે 9 વાગ્યે કર્ફ્યું આવ્યા બાદથી ડીનર માટે આવનારા લોકોનો ટ્રાફિક ઘટીને 20-25% જેવો થઇ ગયો છે. બીજી તરફ લંચ ડાઇન જે પહેલા 30-35% રહેતો હતો તે હાલમાં વધીને 40-45% જેટલો થઇ ગયો છે. કર્ફ્યુના ટાઈમિંગના કારણે અમે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને વધુમાં વધુ 8-8:30 સુધી જ બેસાડી શકીએ છીએ કેમ કે બધું જ બંધ કરતાં અમારે પણ સમય લાગે અને સ્ટાફને પણ 9 વાગ્યા પહેલા ઘરે પહોચાવાનું હોય છે જે અત્યારની પરિસ્થિતિમાં ઘણું જ મુશ્કેલ છે.

    સુરત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું કે, મોટાભાગના લોકો બપોરના સમયે ગુજરાતી ભોજન લેવાનું પસંદ કરે છે જયારે રાત્રે મલ્ટી-કુઝન જમવાનું જામે છે. કર્ફ્યુના કારણે ડીનર માટેનો ટ્રાફિક ઘટ્યો છે અને તેમાંથી અમુક અંશે થોડો ટ્રાફિક લંચ તરફ ડાયવર્ટ થયો છે. પણ આ ટ્રાફિક મોટી ઉમરના લોકોનો છે જે સામાન્ય રીતે ગુજરાતી થાળી ખાવાનું પસંદ કરતા હોય છે. યંગક્રાઉડ આજે પણ વિક એન્ડમાં લંચ આઉટિંગ ઓછુ પસંદ કરે છે.




Download Our B K News Today App



Related News