ભૂકંપનું કેન્દ્ર સ્ટેચ્યૂ-નર્મદા ડેમથી માત્ર 50 કિમી દૂર પણ કોઈ ખતરો નહીં કેમ કે ડેમ 6.5ના ભૂકંપમાં પણ સુરક્ષિત છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 15:03:13
  • Views : 752
  • Modified Date : 2020-11-08 15:03:13

            ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી 36 કિ.મી. દૂર નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ પાસે નોંધાયું છે. મોટા માલપોર ગામની આસપાસ ખનીજની ક્વોરીઓ આવેલી હોઇ તેમાં થતાં બ્લાસ્ટને કારણે ગામમાં જમીન ધ્રુજવાનો સિલસિલો સતત રહેતો હોઇ ગ્રામજનોને ભૂકંપનો અહેસાસ થયો ન હતો. જોકે, ભરૂચ જિલ્લામાં આવેલા અન્ય તાલુકાઓમાં તેમજ સૂરત અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભૂકંપની અસર જોવા મળી હતી.ભરૂચ જિલ્લામાં આજે શનિવારે અચાનક 3.39 વાગ્યાના સુમારે ભૂકંપના 4.3 તિવ્રતાના આંચકા સાથે ભરૂચ જિલ્લાના ગામોમાં ધરા ધ્રુજી ઉઠી હતી. ભરૂચથી 36 કી.મી. દૂર નેત્રંગ તાલુકામાં આવેલાં મોટા મોતાલી ગામ પાસે 21.653/73.318 આકશાંસ રેખાંશ પર ભૂકંપનું એપીસેન્ટર નોંધાયું છે. જિલ્લામાં ભૂકંપનો આંચકો લાગતાં ભરૂચ શહેર જિલ્લામાં બહુમાળી ઇમારતોમાંથી લોકો નીચે ઉતરી આવ્યાં હતાં. જ્યારે જૂના ભરૂચની સાંકળી શેરીઓમાં ભુંકપના આંચકા બાદ લોકો મોટી સંખ્યામાં બહાર દોડી આવ્યાં હતાં. નેત્રંગમાં આવેલાં ભૂકંપની અસર ભરૂચ શહેર સહિત ઝઘડિયા, રાજપારડી, અંક્લેશ્વર સહિતના વિસ્તારોમાં તેમજ સૂરત, નવસારી અને વડોદરા સુધી અનુભવાઇ હતી.નેત્રંગના મોટા માલપોર ગામની આસપાસ ખનીજની ક્વોરીઓમાં બ્લાસ્ટિંગ કરવામાં આવતાં ગામોમાં ધરાધ્રુજવાની ઘટના રોજ બનતી હોય છે. જેના પગલે આજે આવેલાં ભૂકંપના આંચકાને લઇને ગામના લોકોને કોઇ ચોક્કસ અસર અનુભવાઇ ન હતી. ગ્રામજનો રોજની જેમ બ્લાસ્ટિંગના કારણે ધરાધ્રુજી હોવાનું માની સામાન્ય જીવન જીવી રહ્યાં હતાં.ડેમ 6.5ના ભૂકંપમાં પણ સુરક્ષિત છે: સરદાર સરોવર નિગમ ભરૂચ પાસે શનિવારે બપોરે 3.39 વાગે 4.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયેલ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે આ ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 50 કિમી દૂર નોંધાયું છે. સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્રીટ્યુડ અનુસાર 6.5ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિમીની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે. આમ ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની વિપરિત અસર અનુભવાઈ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતીક સમા આ બન્ને સ્ટ્રક્ચર્સ સંપૂર્ણપણે સલામત છે

Download Our B K News Today App



Related News